પ્રકૃતિની ગોદમાં સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ એટલે ધામોદનું શ્રીકેદારેશ્વર મહાદેવ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

Analysis of thoughts This blog tries to link topics related to information, literature, Education,current affairs history,Life Character,Story,Love story,Lifestyle

વિચારોનું વિશ્લેષણ

Ads Here

મંગળવાર, 1 જૂન, 2021

પ્રકૃતિની ગોદમાં સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ એટલે ધામોદનું શ્રીકેદારેશ્વર મહાદેવ

 

( શ્રીકેદારેશ્વર મહાદેવ )

                        શિવનો પ્રકૃતિપ્રેમ અનહદ છે એ તો શિવપુરાણ પરથી જ સાબિત થાય છે. લીલાછમ વન, પર્વતો, પર્વતીય ગુફાઓ, ખીણો, નદી અને ઝરણાં શિવને વધું પસંદ છે. કદાચ એટલાં માટે જ બાર જ્યોતર્લિંગો અને બીજા પ્રસિદ્ધ શિવમંદિરો પ્રકૃતિની ગોદમાં સ્થાપિત થયા હશે. શિવનું નિવાસ મનાય છે તે ' કૈલાશ ' પણ અમાપ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું છે. શિવપૂજામાં પણ પ્રાકૃતિક દ્રવ્યોનો ઉપયોગ વધું થાય છે. 

( સ્વયંભૂ શિવલિંગ )

                 ગુજરાતમાં આવું જ એક પ્રકૃતિની ગોદમાં સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ છે, જ્યાં સાતસો વર્ષ પૂર્વે શિવમંદિર નિર્માણ પામેલું છે. આજે આ મંદિર શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ઝળહળે છે. પૂર્વ ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ગામ નજીક ધોળીડુંગરીની ડુંગરમાળમાં આ મંદિર આવેલું છે. અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટેલું હોવાનું કહેવાય છે. ધોળીડુંગરીની ડુંગરમાળ અહીંની પ્રસિદ્ધ શેઢીનદીનું ઉદ્‍ગમ સ્થાન છે. આથી અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અનુપમ છે. વળી, મહાભારતમાં ' હિડિમ્બાવન ' તરીકે ઓળખાતું વન અહીં જ આવેલું હોવાની પણ માન્યતા છે.

                      ( પ્રકૃતિની ગોદમાં બિરાજેલા શ્રીકેદારેશ્વર મહાદેવ )

                 ગીચ જંગલમાં ડુંગરાઓથી ઘેરાયેલાં આ સ્વયંભૂ શિવલિંગ દ્વારા સ્થાપિત શિવધામની કથા વિશે અનેક લોકવાયકા પ્રચલિત છે. સાતસો વર્ષ પૂર્વે અહીં વસતા પશુપાલકો પોતાના પશુઓને પ્રકૃતિની ગોદમાં ચરવા મૂકી દેતા હતા. એક દૂઝણી ગાયને સાંજના સમયે એનો માલિક દોહવા બેસતો ત્યારે ગાયના આંચળ ખાલી જણાતા. થોડા દિવસ આવું ચાલ્યું એટલે માલિકને શંકા થઈ કે ગાયને જંગલમાં કોઈ દોહી લે છે. ગાય દોહનાર ચોરને પકડવા એક દિવસ તેણે ગાયનો પીછો કર્યો. સાંજ પડી પણ ચોરનો પત્તો ન લાગ્યો એટલે તેના માલિકે નિરાશ થઈ ગાયને ઘર તરફ હાંકવા માંડી.

( નંદીની બે પ્રતિમા, જેમાંથી એક પ્રાચીન અને એક નવીન )


                 આ સમયે ગાય ઘરને બદલે એક શિલા પર ગઈ અને ત્યાં ઊભી રહી ગઈ. સમાધિસ્થ ઊભેલી ગાયના આંચળમાંથી દૂધની ધારા જમીન પર આપમેળે થવા લાગી. તેણે ઘરે આવી બીજા પશુપાલકોને આ વાત કરી. સૌએ વિચાર્યું કે ગાય જે સ્થળે દૂધનો અભિષેક કરે છે ત્યાં જમીનમાં કંઈક હોવું જોઈએ. બીજા દિવસે બધા ભેગા મળી સ્થળ પર આવ્યા અને ખોદકામ કર્યું તો જમીનમાંથી એક શિવલિંગ મળ્યું. સાથે સાથે પાર્વતી, ગણેશ, હનુમાન અને નંદીની મૂર્તિઓ પણ મળી, જે ખોદકામ દ્વારા થોડી ખંડિત પણ થઈ. સર્વે પશુપાલકોએ શિવલિંગને પૂજ્ય ગણી અહીં જ તેની અને ખંડિત મૂર્તિઓની સ્થાપના કરી.

( પાર્વતીજીની બે પ્રતિમા, જેમાંથી એક પ્રાચીન અને એક નવીન )


                 સ્થાપના કર્યા બાદ બધા દૂધનો અભિષેક કરી નિત્ય પૂજા કરવા લાગ્યા. ધીરે ધીરે વાત આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગઈ. લોકો એકઠા થયા અને લોકસહકારના બળે અહીં એક નાનકડું મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યાં પછી શિવલિંગ સાથે નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. આ સમયે કહેવાય છે કે એક કૌતુક થયું. ખંડિત મૂર્તિઓમાંથી લોહી ટપકવા લાગ્યું. લોક સમુદાયે શિવને પ્રાર્થના કરી કે અમારી ભૂલ માફ કરો. અમે સ્વયંભૂ પ્રગટેલી તમામ મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા કરી મંદિરમાં સ્થાપના કરીશું. કહેવાય છે કે પછી લોહી ટપકતું બંધ થયું.

( ગણેશજીની બે પ્રતિમા, જેમાંથી એક પ્રાચીન અને એક નવીન )


                 આ એક એવું શિવમંદિર છે કે જ્યાં એક સાથે પાર્વતી, ગણેશ, હનુમાન અને નંદીની બે-બે મૂર્તિઓ પ્રતિષ્ઠિત થયેલી છે. અનુપમ પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલું આ કેદારેશ્વર શિવધામ અસંખ્ય લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં મંદિર સંકુલમાં શનિદેવ સહિત નવગ્રહોની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત છે, જેના દર્શનનો ભક્તોને લાભ મળે છે. શિવરાત્રી, શ્રાવણમાસ અને દર સોમવાર તથા અમાસના દિવસે અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. આજુબાજુ વસતા લોકો નવપરણીત વરઘોડિયાની છેડાછેડી અહીં આવીને છોડે છે અને શિવ પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. અહીં સમયાંતરે શિવયજ્ઞોનું આયોજન પણ થાય છે.

( હનુમાનજીની બે પ્રતિમા, જેમાંથી એક પ્રાચીન અને એક નવીન )

                        મંદિરની નજીક આવેલા પર્વત પર લાલિયા લુહારનો કોટ આવેલો છે, જે હાલ જીર્ણ હાલતમાં છે. તેના વિશે એક દંતકથા પ્રચલિત છે કે તેની પાસે એક પારસમણિ હતી. જેના સ્પર્શથી લોઢું સુવર્ણ થઈ જતું હતું. લાલિયો લુહાર ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેણે પારસમણિ ભગવાન શિવ પાસેથી વરદાન સ્વરૂપે પ્રાપ્ત કરી હતી. એ સમયે ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનું શાસન હતું. બાદશાહના સૂબાને જ્યારે આ પારસમણિ અંગે જાણ થઈ ત્યારે તેણે લાલિયા લુહાર પર આક્રમણ કર્યું. બાદશાહના સૈનિકોના હાથમાં પારસમણિ આવી જશે તે ડરથી લાલિયા લુહારે પારસમણિને પોતાના કોટની નજીક આવેલા એક ઊંડા ધરામાં ફેંકી દીધી હતી. લોકવાયકા પ્રમાણે તે સમયે બાવન ખાટલાનું વાણ થાય એટલી લાંબી રાસને છેડે એક લોખંડનો આંકડો લગાવીને ધરામાં ઊતારવામાં આવ્યો હતો. તે આંકડો પારસમણિના સ્પર્શ માત્રથી સોનાનો થઈને બહાર આવ્યો હતો. તે પારસમણિ ક્યાં ગઈ તેની આજસુધી કોઈને જાણ નથી.
( શ્રીશનિદેવ અને નવગ્રહ મંદિર )

                 મંદિરની પાછળ એક પુરાતન ગુફા પણ આવેલી છે. સમયાંતરે મંદિર જીર્ણ થયું ત્યારે ફરી લોક સમુદાય દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરાયો. જીર્ણોદ્ધાર પછીનું મંદિર હાલ આસ્થાનું કેન્દ્ર બની ઊભું છે. અહીં આવનાર દર્શનાર્થીઓ માટે જમવા તથા ચા-પાણીની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરાયેલી છે. આ રમણીય શિવધામની આજુબાજુ ધનાદેવી સરોવર, શેઢીનદીનું ઉદ્‍ગમ સ્થાન, લાલિયા લુહારનો જીર્ણ કોટ; વગેરે પ્રાકૃતિક મઠ્યાં સ્થળો જોવાલાયક છે. જો તમે પ્રકૃતિપ્રેમી અને શિવભક્ત છો તો એકવાર અચૂક અહીં આવો. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ભારેખમ મનને જરૂર હળવું કરે છે.

( પવિત્ર શેઢી નદીનું ઉદ્ગમ સ્થાન )


કેવી રીતે જશો

                 કેદારેશ્વર શિવધામ મહીસાગર જિલ્લાના વીરપુર - બાલાસિનોર રોડ પર આવેલું છે. અમદાવાદથી ૧૦૫ કિમી, બાલાસિનોરથી ૩૦ કિમી અને વીરપુરથી માત્ર ૧૫ કિમીના અંતરે આવેલું છે. અમદાવાદથી બાલાસિનોર અને ત્યાંથી કેદારેશ્વર મહાદેવ મંદિરે જવા બસ કે ખાનગી વાહન મળી રહે છે. અમદાવાદથી બાયડ અને ત્યારબાદ ધોળીડુંગરી થઈને પણ આવી શકાય છે. ધોળીડુંગરીથી વીરપુર જતાં ૪ કિમીના અંતરે ' કેદારેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો ' એવું બોર્ડ જોવા મળે છે. ત્યાંથી મંદિરે જવા ૩ કિમીનો માટે પાકો રસ્તો છે જે ખાનગી વાહન અથવા પગપાળા કાપી શકાય છે.

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

ઉત્તરાયણ પર અબોલ જીવોની સેવા કરતાં ઇન્દુબેન પ્રજાપતિ

     ઉત્તરાયણ એટલે આનંદ અને ઉલ્લાસનો તહેવાર. આખું વર્ષ જેમને કામ ધંધામાંથી ફુરસત ન મળે એ લોકો પણ પરિવાર સાથે આ તહેવારનો આનંદ માણતાં જોવા મળે...