ભણકારા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

Analysis of thoughts This blog tries to link topics related to information, literature, Education,current affairs history,Life Character,Story,Love story,Lifestyle

વિચારોનું વિશ્લેષણ

Ads Here

સોમવાર, 12 એપ્રિલ, 2021

ભણકારા


 

              સમી સાંજનો સૂરજ ઢળી રહ્યો હતો. પશ્ચિમ દિશામાં સાયંકાળનું એક નયનરમ્ય દૃશ્ય રચાયું હતું. પંખીઓ આખો દિવસ વિહાર કરીને નિજ માળવે પધારી રહ્યાં હતાં. રોજની જેમ આજે પણ રમાબેન સાંજ પડતાં જ ખેતરેથી ઘરે આવી રહ્યાં હતાં. પવનની લહેરો જાણે કંઈક સંદેશો આપી રહી હોય એમ સૂસવાટા મારતી વહેતી હતી. જાણે એ લહેરોમાં કોઈના આવવાના ભણકારા સંભળાઈ રહ્યા હતા.

                કોઈના આવવાનો ભણકારો થવો એટલે આનંદની વાત કહેવાય. પરંતુ રમાબેનના ચહેરા પર આજે એ ખુશી છલકાતી ન હતી. રમાબેનનું આ જગમાં એમનાં એકના એક પુત્ર કિશન સિવાય બીજું કોઈ જ ન હતું. તેમના પતિ તો કિશન નાનો હતો ત્યારે જ રમાબેન અને નાનકડા કિશનને નોધારા મૂકીને સ્વર્ગે સિધાવી ગયા હતા. વારસામાં માત્ર એક ઘર અને બાપ દાદાઓની જમીન હતી. રમાબેને જાતે ખેત-મજૂરી કરીને કિશનને ભણાવી-ગણાવીને મોટો કર્યો હતો. મજબૂત શરીર સૌષ્ઠવને કારણે કિશનને ભારતીય સેનામાં સૈનિક તરીકે નોકરી મળી ગઈ હતી. હમણાં થોડાં સમય પહેલાં જ કિશનનો પત્ર રમાબેનને મળ્યો હતો. એમાં તેણે જણાવ્યું હતું કે તે હાલ એક મિશન પર છે. તે પૂરું થતાં જ જલદી ઘરે આવી જશે. કિશને પત્રમાં કહ્યું હતું કે  મા, હું નોકરી કરું છું એટલે તારે હવે ખેતરમાં કામ કરવાની કોઈ જ જરૂર નથી. તારે ફક્ત આરામ જ કરવાનો છે. આખું આયખું તે પેટે પાટા બાંધીને ખૂબ મહેનત કરી છે. હવે હું તને વધુ કામ કરવા નહિ દઉં...

                કિશન લગભગ પાંચ વર્ષે ઘરની વાટ પકડવાનો હતો. પાંચ વર્ષથી રમાબેનની આંખલડી તેમના વહાલસોયા પુત્રને જોવા માટે તરસતી હતી. જ્યારે કિશનની યાદ આવતી ત્યારે રમાબેનની આંખો અચૂકપણે ભીની થઈ જતી. પરંતુ હાલ તે સરહદ પર દેશની સેવામાં લાગેલો હતો. મા અને પુત્ર, બંને એકબીજાથી જોજનો દૂર હતાં છતાં પણ બંનેના હૃદયમાં એકબીજાને મળવાની તડપ સરખી જ હતી...

                રમાબેન ખૂબ આતુરતાથી કિશનના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.. કહેતાં કે, આ વખતે તે આવે એટલે એને પરણાવીને જ પાછો નોકરીએ મોકલવાનો છે... કિશનનું નામ પડતાં તેમનાં ચહેરા પર ખુશી છવાઈ જતી, પરંતુ આજે ખબર નહિ કેમ પણ કંઈક અજુગતું થવાનાં ભણકારાં થઈ રહ્યાં હતાં... આખો દિવસ ખેતીકામ કરીને થાકી જતો રમાબેનનો વૃદ્ધ દેહ; જેવો પથારીમાં પડે કે તરત જ મીઠી નીંદરની મજા માણવા લાગતો. પણ આજે એ મીઠી નીંદર તેમનાથી કોઈક કારણોસર રીસાઈ ગઈ હતી. આજે એક નાનું સરખું ઝોકું પણ તેમનાથી દૂર ભાગતું હતું. આખી રાત ખાટલામાં પડખાં ફેરવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. નીંદર પણ ક્યાંથી આવે? તેમના અંતરમનમાં આજે કિશનની ચિંતાઓનું ઝંઝાવાત ઊઠ્યું હતું. તેમનો વહાલસોયો દીકરો જ્યાં સુધી નિર્વિઘ્ને ઘરે ન આવી જાય ત્યાં સુધી શાંતિથી નીંદર આવે એવા એંધાણ દૂર દૂર સુધી દેખાતાં ન હતાં.

                પરોઢીયે સૂર્યદેવ ચોતરફ પોતાનું ઓજસ પાથરી રહ્યા હતા. પંખીઓ મધુર સ્વરે કલરવ કરી રહ્યાં હતાં. ઘરની બહાર રહેલી તુલસી અને લીમડાનાં પર્ણો ઝાકળનાં બિંદુઓથી સુશોભિત થઈ ગયાં હતાં. રમાબેન પણ આજે બધાં કામ પરવારીને ખેતરે જવા તૈયાર થતાં હતાં. આજે પંખીઓના કલરવની સાથે એક કાગડાનો કર્કશ અવાજ પણ આવતો હતો. રમાબેનનાં ઘરની બહાર રહેલાં લીમડાની ડાળે બેઠેલાં આ કાગડાના કર્કશ અવાજમાં કોઈના આવવાનાં ભણકારાં સંભળાતાં હતાં.

                રમાબેન જેવા ખેતરે જવા નીકળ્યાં કે ત્યાં જ તેમનાં ફળિયામાં સરકારી ગાડીઓનો કાફલો સાયરન વગાડતો આવી પહોંચ્યો. આ ગામમાં ક્યારેય કોઈએ આવો ગાડીઓનો કાફલો જોયો ન હતો. ગાડીઓનો કાફલો જોવા માટે ગામના લોકો ટોળે વળવાં લાગ્યાં. એટલામાં જ એક ગાડીમાંથી એક આર્મી ઑફિસર નીચે ઊતર્યા અને તેમણે એક માણસને કંઈક પૂછ્યું.. જવાબમાં ત્યાં ઊભેલાં માણસે રમાબેનનાં ઘરની સામે આંગળી ચીંધી દીધી... રમાબેનનાં હૃદયની ધડકનો જાણે સમયની સાથે હરીફાઈમાં ઊતરી હોય એમ દોડવાં લાગી. ગાડીઓનો કાફલો રમાબેનનાં ઘર આગળ ઊભો રહ્યો. ગાડીમાં રહેલા અધિકારીએ પૂછ્યું કે, " રમાબેન તમે?, તમારો પુત્ર કિશન આર્મીમાં છે ને! ". રમાબેને બસ ' હા ' માં માથું હલાવ્યું છે. ગાડીઓની વચ્ચે એક એમ્બ્યુલન્સ હતી. રમાબેન કંઈક સમજે તે પહેલાં જ પેલા અધિકારીના ઈશારે રમાબેનને એમ્બ્યુલન્સ પાસે લઈ જવામાં આવ્યાં. એમ્બ્યુલ્સમાં રહેલાં દૃશ્યને જોતાં જ રમાબેન ત્યાં જ ઢળી પડ્યાં. એ એમ્બ્યુલન્સમાં કિશન નતો આવ્યો, પરંતુ કિશનનો તિરંગામાં વીંટળાયેલો મૃતદેહ ઘરે આવ્યો હતો...

   પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )
10 ટિપ્પણીઓ:

  1. વાહ! અદ્ભુત વાર્તા... ખરેખર હૃદય સ્પર્શી...

    જવાબ આપોકાઢી નાખો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

ઉત્તરાયણ પર અબોલ જીવોની સેવા કરતાં ઇન્દુબેન પ્રજાપતિ

     ઉત્તરાયણ એટલે આનંદ અને ઉલ્લાસનો તહેવાર. આખું વર્ષ જેમને કામ ધંધામાંથી ફુરસત ન મળે એ લોકો પણ પરિવાર સાથે આ તહેવારનો આનંદ માણતાં જોવા મળે...