કચ્છનું હીર : મેક્સ આહીર - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

કચ્છનું હીર : મેક્સ આહીર

 

શિયાળે સોરઠ ભલો,

        ઉનાળે ગુજરાત,

વરસે તો વાગડ ભલો, 

        કચ્છડો બારેમાસ...

                                કહેવાય છે કે રણમાં તણખલુંય ઉગતું નથી, પણ કચ્છની વાત જ જુદી છે. મોતીડાં મેળવવા હોય તો દરિયો ખૂંદવો પડે, પરંતુ અફાટ રણ વિસ્તાર અને વેરાન વગડાં ધરાવતી કચ્છની ધરતી અનેક સંતો, કવિઓ, લેખકો, સમાજ સુધારકો અને કલાકારો જેવા અણમોલ રત્નોની જનની છે. રણ પ્રદેશ અને વેરાન વગડાં હોવા છતાંય કચ્છની સંસ્કૃતિ એટલી ભવ્ય છે, કે કવિઓ આ ધરાનાં ગુણગાન ગાતાં થાકતાં નથી. આ જ ધરતી પર જન્મ લેનાર એક કલાકાર એટલે મેક્સ આહીર.   મેક્સ આહીર એટલે એક એવું વિરલ વ્યક્તિત્વ, કે જે  જ્યારે શાળામાં હોય ત્યારે શિક્ષક તરીકે બાળકોમાં જ્ઞાનનો સંચાર કરી શકે છે, જ્યારે ક્રિકેટના મેદાન પર હોય ત્યારે ફાસ્ટ બોલર તરીકે ભલભલાં બેટ્સમેનને હંફાવી શકે છે અને જ્યારે એક હાસ્ય કલાકાર તરીકે રંગમંચ પર હોય ત્યારે વિશાળ માનવ મહેરામણને ખડખડાટ હસાવી શકે છે. 

( મેક્સ આહીર )

                અત્યંત વિરલ વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા મેક્સ આહીરનું મૂળનામ હિરજી વાલાભાઈ આહીર છે. તેમના માતા-પિતાને કદાચ તેમનાં બાળપણમાં જ અંદાજ આવી ગયો હશે કે તેમના ઘરે સાચો હીરો ( Diamond ) અવતર્યો છે, એટલે જ તેમનું નામ હિરજી આહીર રાખ્યું. આજે સાચે જ હીરજી આહીર એ સમસ્ત આહીર સમાજનું ગૌરવ અને કચ્છનું અમૂલ્ય રત્ન કહેવાય છે. હિરજી આહીરને બાળપણથી જ વાર્તાઓ લખવાનો શોખ હતો. એટલે બાળપણમાં જ તેમણે લેખકોની માફક પોતાનું એક ઉપનામ રાખ્યું હતું, ‘ મેક્સ. ‘ ત્યારથી લઈને આજ સુધી હિરજી આહીર એ મેક્સ આહીર તરીકે પ્રસિદ્ધ છે. પડછંદ અવાજ અને રમૂજી સ્વભાવના માલિક મેક્સ આહીરને જે પણ વ્યક્તિ એકવાર સાંભળે છે તે ક્યારેય તેમને ભૂલી નથી શક્તી.

( ક્રિકેટના મેદાનમાં મેક્સ આહીર )

                મેક્સ આહીરની ક્રિકેટ કારકિર્દીની વાત કરું તો, મેક્સ આહીર એટલે એક સમયે કચ્છના બ્રેટ લી તરીકે ઓળખાતા હતા. મેક્સ આહીર તે સમયે કચ્છ ક્રિકેટમાં છત્રસિંહજી જાડેજા પછીના બીજા નંબરના સૌથી ફાસ્ટ બોલર હતા. મેક્સ આહીરને ક્રિકેટમાં પદાર્પણ કરવા માટે રાજેશભાઈ ગોરે ખૂબ મદદ કરી હતી. મેક્સ આહીરને જાદવજી વેકરીયાની ભલામણથી રજેશભાઈ મમુભાઈ આહીરે આવડ કૃપા જિંદાય ટીમમાં સ્થાન આપ્યું. ત્યારબાદ કચ્છ ક્રિકેટમાં તો જાણે તહલકો મચી ગયો હતો. નખત્રાણામાં પોતાની પ્રથમ મેચમાં જ મેક્સ આહીર મેક્સ ઈલેવન વિથોણ ટીમની સામે ૪ વિકેટ્સ અને માત્ર ૨૧ રન આપીને મેન ઓફ ધ મેચ બન્યા. ત્યારબાદ નખત્રાણામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ વચ્ચે મોદી-કપ ટૂર્નામેંટ રમાઈ હતી, જેમાં મેક્સ આહીરે માત્ર પાંચ મેચમાં ૧૯ વિકેટો ખેરવીને બેસ્ટ બોલર નો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ જ ટૂર્નામેંટની એક ટીમ ટાઈગર ઈલેવન માં રામ ભટ્ટ, પિયુષ રૈયાણી, યશવંત સિંહ, દર્શન ઠક્કર જેવા એ સમયનાં કચ્છ ક્રિકેટનાં ધુરંધરો હતા. આ બધા ક્રિકેટરોની ટીમમાં ૬ વિકેટ્સ ઝડપીને પોતાની બોલિંગ ક્ષમતાનો પરચો આપ્યો હતો.

( મેન ઓફ ધ મેચ – મેક્સ આહીર )

                મેક્સ આહીરે બોલિંગની સાથે બેટિંગ પર પણ હાથ અજમાવ્યો હતો. તેમની એક યાદગાર મેચ જ્યુબિલી ગ્રાઉન્ડમાં ‘ આઝાદ ભુજ v/s આવડ કૃપા જિંદાય ‘ રમાઈ હતી. આ મેચમાં તેમની ટીમને મેચ જીતવા માટે છેલ્લા બોલમાં ૫ રનની જરૂર હતી. ત્યારે મેક્સ આહીરે બેટ્સમેન તરીકે  છેલ્લા બોલમાં છગ્ગો ( સિક્સ ) ફટકારીને પોતાની ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો. મેક્સ આહીરની ક્રિકેટની કારકિર્દી વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૬ દરમિયાન રહી હતી, જે ખૂબ જ શાનદાર રહી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ આમિર સમા, કમલેશ ગોસ્વામી, લાલજી પ્રજાપતિ, સુરેશ તામિલ, નીરવ પંડ્યા વગેરે જેવા મહાન ખેલાડીઓ સાથે અનેક મેચો રમ્યાં. તેમણે આવડ કૃપા જિંદાય, બાપા જલારામ, ડોક્ટર XI માધાપર અને ધાણેટી ટીમ તરફથી ઘણી મેચ રમી અને અનેક ટ્રોફીઓ પોતાના નામે કરી. કચ્છ ક્રિકેટના સુપર સ્ટાર કમલેશ ગોસ્વામી મેક્સ આહીરના માનીતા ક્રિકેટર છે.

( પિતાશ્રીની સાથે ઊભેલા મેક્સ આહીર )

                કરછના ખડીર વિસ્તારમાં આવેલા નાનકડાં ગામ રતનપરમાં ૫ ફેબ્રુઆરી, ૧૯૮૭ ના રોજ જન્મેલા મેક્સ આહીરે પોતાના જીવનકાળમાં અનેક સંઘર્ષો વેઠ્યા છે. માત્ર ૧૦ વર્ષની ઉંમરમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. અત્યંત ગરીબ પરિસ્થિતિની વચ્ચે પણ તેમના દાદીમા અને માતાશ્રીએ કઠોર પરિશ્રમ અને ખેતમજૂરી કરીને મેક્સ આહીરને ભણાવ્યા. મેક્સ આહીરે ક્રિકેટની સાથે સાથે પોતાના ભણતર ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું અને જીવનમાં ખૂબ કઠોર પરિશ્રમ કર્યો. પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૦૬માં ભુજમાં ૮૭% સાથે પ્રથમ નંબરે અને કચ્છમાં ટોપ ૧૦માં સ્થાન મેળવીને PTCની પરીક્ષા પાસ કરી. તેઓ વર્ષ ૨૦૦૭માં ધાણેટી ગામમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવી  અને  ૨૦૧૨ થી તેઓ રાપરની સરકારી પ્રાથમિક શાળા નંબર- ૩માં એક શિક્ષક તરીકેની ફરજ બખૂબી નિભાવી રહ્યા છે. તેમના જીવનમાં તેમના દાદીમા અને માતાશ્રીનો ખૂબ મોટો ફાળો છે. દાદીમા રાજીબેનની યાદમાં તેમણે પોતાના બંગલાનું નામ ' રાજીપો ' રાખ્યું છે. મેક્સ આહીરના ધર્મપત્ની પુરીબેને માત્ર ધોરણ ૮ સુધીનો અભ્યાસ કરેલો છે. સંતાનોમાં મેક્સ આહીરને એક દીકરી "શ્રેયા" અને એક દીકરો ‘ નિર્મિત ‘ છે. તેમના જણાવ્યા અનુસાર તેમના જીવનમાં તેમની દીકરી ‘ શ્રેયા’ ના જન્મ પછી ખૂબ જ બદલાવ આવ્યો છે. શ્રેયા મેક્સ આહીરના જીવનમાં જાણે સ્વયં લક્ષ્મીનો અવતાર હોય એમ આવી છે. તેના જન્મ પછી મેક્સ આહીરે એક હાસ્ય કલાકાર/એન્કર તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે.

( માયાભાઈ આહીર સાથે મેક્સ આહીર )

                મેક્સ આહીર એક સફળ શિક્ષકની સાથે સાથે પ્રતિભાશાળી એંકર, ખૂબ સારા મિમિક્રી આર્ટિસ્ટ અને હાસ્ય કલાકાર પણ છે. પોતાની આગવી વક્તવ્યશૈલી અને રમૂજી સ્વભાવના બળે તેઓ જ્યારે સ્ટેજ પર હોય છે ત્યારે અનેક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે અને ખડખડાટ હસાવી શકે છે. વ્હોટ્સએપ પર કરછી ભાષાનું ' ગામજો ચોરો ' વ્હોટ્સએપ ગ્રૂપ ચાલતું હતું. આ ગ્રૂપના સ્નેહમિલન કાર્યક્રમમાં મેક્સ આહીર હજાર રહ્યા હતા, અને આ જ ગ્રૂપ થકી તેમને પ્રથમ સ્ટેજ પ્રાપ્ત થયું હતું. એક સારા મિમિક્રી આર્ટિસ્ટ તરીકે તેઓ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, માઇકલ હોલ્ડિંગ, ટોની ગ્રેગ, એ બી ડિવિલિયર્સ  જેવા અનેક ખ્યાતનામ ક્રિકેટરોની મિમિક્રી બખૂબી કરી જાણે છે. તેમના દ્વારા કરવામાં આવતી મિમિક્રીનો આનંદ માણવો એ પણ એક લહાવો હોય છે..

( ગીતાબેન રબારી અને રાજલબેન બારોટ સાથે મેક્સ આહીર )

               મેક્સ આહીરનો સૌથી મોટો પ્રોગ્રામ, અંજાર આહીર બોર્ડિંગ (કીર્તિદાન ગઢવી સાથે) અને ફતેગઢ પાબુદાદા મંદિરે, કચ્છમાં થયો હતો, જ્યાં તેમણે ગીતાબેન રબારી અને ગમન ભૂવાજી, બાબુભાઇ આહીર, ઘનશ્યામભાઈ ઝુલા, માદેવભાઈ સાથે સ્ટેજ શેયર કર્યું હતું. મેક્સ આહીરે ગુજરાતના અનેક ખ્યાતનામ કલાકારો જેમ કે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગીતાબેન રબારી, જીગ્નેશ કવિરાજ, બાબુભાઈ આહીર વગેરે સાથે સ્ટેજ શેયર કરેલું છે. માત્ર ગુજરાત જ નહિ, પરંતુ ગુજરાતની બહાર પણ મેક્સ આહીરે અનેક પ્રોગ્રામ્સ કરીને સ્ટેજ ગજવ્યું છે. તેમણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણે, નાસિક જેવા મોટા શહેરોના પ્રેક્ષકોને પણ પેટ પકડાવીને હસાવ્યા છે. મેક્સ આહીર વિદેશોમાં જેમ કે, અમેરિકાના ન્યૂયોર્ક અને ઇંગ્લેન્ડના લંડન શહેરમાં પ્રોગ્રામ કરવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. એંકરિંગ કરવાની પોતાની અદ્ભુત આવડત અને  આગવી સ્ટાઇલ વડે તેમણે અનેક લોકોને મંત્રમુગ્ધ કર્યાં છે. તેમનાં એંકરિંગને બિરદાવતાં આહીર શોર્ય દિવસ ૧૮ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ રાજકોટ ખાતે ભારતીય યાદવ મહાસભાના અધ્યક્ષશ્રી રાવ ઇન્દ્રજીતસિંહ (કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર) ના વરદ હસ્તે એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

( રાવ ઇન્દ્રજીતસિંહના વરદ હસ્તે એવોર્ડથી સન્માનિત થતાં મેક્સ આહીર )

                મેક્સ આહીરની યૂ ટ્યુબ પર Max Ahir Official  ચેનલ છે. આ ચેનલ પર ' મોજ વિથ મેક્સ ' સીરિઝ હેઠળ અનેક ખ્યાતનામ કવિઓ, લેખકો, સાહિત્યકારો, કલાકારો અને સમાજસેવકોના ઇન્ટરવ્યૂ મૂકવામાં આવે છે. તેમણે સૌપ્રથમ ઇન્ટરવ્યૂ ગાયક કલાકાર અને ચિત્રકાર એવા બાબુભાઈ આહીરનું કર્યું હતું. આ ઇન્ટરવ્યૂને યૂ ટ્યુબ પર દર્શકો દ્વારા બહોળા પ્રમાણમાં નિહાળવામાં આવ્યું હતું. દુબઈમાં રમાતી ટેન. પી. એલ. માં રમેલા અને ઓલ ઇન્ડિયા ટેનિસ ટૂર્નામેન્ટમાં રમતાં જોવા મળતાં  દીપક ગઢવી, સુરેશ તામિલ, હિતેન્દ્રસિંહ જાડેજા અને રણજી ટ્રોફી પ્લેયર દિનેશ નાકરાણીના ઇન્ટરવ્યૂ મેક્સ આહીરની યૂ ટ્યુબ ચેનલ પર થવા જઈ રહ્યા છે.ઉપરોક્ત તમામ મહાનુભાવો કચ્છનાં રત્નો તરીકે ઓળખાય છે. આ બધા ઇન્ટરવ્યૂ ખૂબ જ પ્રેરણાત્મક હોય છે અને નવયુવાનોને જીવનમાં સંઘર્ષ વેઠીને સફળ થવાની પ્રેરણા પૂરી પાડે છે. મેક્સ આહીરની ચેનલ પર વાય.પી.સી. ઇવેન્ટ દ્વારા યોજાતી આદ્યશક્તિ નવરાત્રીના લેડિઝ સિંગર ક્વીન રશ્મિતાબેન રબારી, રાજલબેન બારોટ અને કચ્છી કોયલ ગીતાબેન રબારીનાં ઇન્ટરવ્યૂ નિહાળવા મળે છે. યૂ ટ્યુબ પર માત્ર Max Ahirલખીને શોધવાથી મેક્સ આહીરના અઢળક વિડીઓ જોઈ શકાય છે, જેનો લાભ અચૂકપણે લેવા જેવો છે.


( રાજભા ગઢવી સાથે મેક્સ આહીર )

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

11 ટિપ્પણીઓ:

 1. ખૂબ સરસ. આનંદ ની વાત એ છેકે જૂના ફોટા સાથે વિગત આપેલ છે. અતિ આનંદ.

  જવાબ આપોકાઢી નાખો
 2. 🙏જય સદારામ બાપા 🙏
  ખુબ ખુબ અભિનંદન મિત્ર શ્રી મેક્સ ભાઈ આહીર
  જીવન માં ખુબ જ પ્રગતિ કરો.રાજ્ય અને દેશનુ નામ રોશન કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ.

  જવાબ આપોકાઢી નાખો
 3. જંય હો ગામ જો ચોરો અંભિનંદન મેક્સ ભાઇ

  જવાબ આપોકાઢી નાખો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: મન લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ" મજબુત હૃદયની પાછળ નાજુક દિલ છૂપાયેલું છે. નમેલી આંખોની  પાછળ અશ્રુઓની ધારા છૂપા...