વિદ્યાનગરી આણંદની ભૂમિના તપસ્વી શિક્ષક :- નીતિનભાઈ પ્રજાપતિ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 4 નવેમ્બર, 2020

વિદ્યાનગરી આણંદની ભૂમિના તપસ્વી શિક્ષક :- નીતિનભાઈ પ્રજાપતિ

 

અમેરિકાના ૩૫માં પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ પોતાના દેશના નાગરિકોને સંબોધીને એક વાર કહ્યું હતું કે, " ન પૂછો કે દેશ તમારા માટે શું કરશે, એમ કહો કે તમે દેશ માટે શું કરશો? " આ વાક્ય દરેક અમેરિકન નાગરિકનાં હૃદયમાં સ્થાન પામ્યું અને તેના પ્રભાવ હેઠળ આજે પણ અમેરિકા વિશ્વની મહાસત્તા તરીકેની ઓળખ ધરાવે છે. આજકાલ લોકોને કંઈક કામ કરવા કરતાં ફરિયાદ કરવાનું વધારે અનુકૂળ આવે છે કારણ કે, એમાં કાંઈ કરવાનું હોતું નથી. માત્ર વિરોધ જ કરવાનો હોય છે. જ્યાં જુઓ ત્યાં સમાજ કે સરકારી તંત્ર સામે ફરિયાદોનો ટોપલો લઈને ફરતાં લોકો જોવા મળે છે. હું હોત તો આમ કર્યું હોત, આ પેલાને કંઈ આવડતું નથી વગેરે વગેરે...હકીકતમાં જો દરેક નાગરિક એવો અભિગમ રાખે અને ફરિયાદ કરતાં પહેલાં વિચારે કે મે દેશ માટે શું કર્યું? મારું આ દેશ પ્રત્યે શું યોગદાન છે? શું હું આ ફરિયાદ કરવાને લાયક છું? તો કોઈ પણ દેશ મહાસત્તા બની શકે. આપણા દેશમાં પણ એવા ઘણાય મૂકસેવકો છે જે ક્યારેય કોઈ સામે ફરિયાદ નથી કરતા અને દેશ કે સમાજના ઘડતરનું પોતાનું કામ અનેક સંઘર્ષો વેઠીને પણ આગળ ધપાવતાં રહે છે. આવા જ એક કર્મયોગી મહામાનવ એટલે નીતિનભાઈ પ્રજાપતિ કે જેમણે આણંદ જિલ્લાને પોતાની તપોભૂમિ અને કર્મભૂમિ બનાવી.

( શ્રી નીતિનભાઈ પ્રજાપતિ )

  ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના નાનકડાં ગામ વાગોસણાના વતની અને હાલ આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં રહેતા નીતિનભાઈ અંગ્રેજી વિષય સાથે ઉચ્ચ શિક્ષણની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. હાલ તેઓ આણંદમાં પોતાનું ગ્લોબલ લેન્ગવેજ સેન્ટર ચલાવે છે અને વિદેશ જવા મથતાં વિદ્યાર્થીઓને IELTS ( The International English Language Testing System ) ના ક્લાસ કરાવે છે. એક દિવસ પોતાનાં ગામ ચિખોદરાથી આણંદ જતી વખતે રસ્તામાં આવેલી ઝૂંપળપટ્ટી પાસે કેટલાંક બાળકોને જમીન પર માટીમાં અંગ્રજી મૂળાક્ષરો દોરીને લખતાં જોયા. ભણવાની તીવ્ર ઈચ્છા ધરાવતાં છતાં પણ ભણવા માટે અસમર્થ આવા બાળકોને જોઈને નીતિનભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમની અંદરનો શિક્ષક જાણે પોકારતો હોય એમ તેમણે એ જ ક્ષણે નિર્ધાર કરી લીધો કે મારે આ બાળકો માટે કંઈક કરવું છે. આ એક જ દૃઢ વિચારથી એમણે પોતાનો સેવાયજ્ઞ શરૂ કર્યો, જે આજે પણ અવિરત ચાલી રહ્યો છે.

( વિવિધ ચાર્ટ દ્વારા બાળકોને સમજાવતા નીતિનભાઈ ) 

શાળાકીય શિક્ષણ આજે ઘણું સુલભ થઈ ગયું છે અને દેશમાં સાક્ષરતા દર પણ વધી રહ્યો છે, પરંતુ સાથે સાથે એવા પણ બાળકો છે, જેમને ભણવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ કોઈક કારણોસર શાળાએ જઈ શકતાં નથી. તેમના માટે આજે પણ શાળાકીય શિક્ષણ ખૂબજ દુર્લભ છે. વિકાસથી ધમધમતાં શહેરોની આસપાસ આજે પણ ઘણા એવા સ્લમ વિસ્તારોમાં અસંખ્ય લોકો રહે છે જેમને બે ટંકનું ભોજન પણ નસીબ નથી હોતું, તો પછી શિક્ષણ અને સ્વાસ્થ્યની તો વાત જ દૂર રહી! એક સામાન્ય બાળક માટે સામાન્ય લાગતી પેન કે પેન્સિલ પણ આ બાળકો માટે અમૂલ્ય ચીજવસ્તુ બની રહે છે. આવા અસંખ્ય ગરીબ અને દિવ્યાંગ બાળકો માટે તારણહાર બનીને આવનાર એક શિક્ષક એટલે નીતિનભાઈ પ્રજાપતિ.

( નીતિનભાઈનું ગુરુકુળ ) 

નીતિનભાઈ પ્રજાપતિ કોઈ સરકારી કે ખાનગી શાળાના શિક્ષક નથી કે તેમને તેમના આ કાર્ય માટે પગાર મળવાનો હતો. છતાં પણ એક પગારદાર શિક્ષક કરતાં પણ વધુ ધગશ અને મહેનતથી તેઓ આ બાળકોને અક્ષરજ્ઞાન આપે છે. પોતાની દિનચર્યાનો એક અલાયદો ભાગ તેમણે આવા ગરીબ અને દિવ્યાંગ બાળકોને સમર્પિત કરી દીધો છે. નીતિનભાઈના પિતાશ્રી આત્મારામ પ્રજાપતિ પોતે એક શિક્ષક હતા અને તેમની પણ મહેચ્છા હતી કે તેમના બાળકો તેમનો આ શિક્ષણ વારસો આગળ ધપાવે. તેમના પિતાની ઈચ્છા અને સાથે સાથે પોતાની સેવાભાવી વૃત્તિને કારણે આજે નીતિનભાઈ અનેક ગરીબ અને વંચિત પરિવારોમાં એક આશાનું કિરણ બનીને આવ્યા છે.

( શિક્ષણ લેતા નાના ભુલકાઓ )

   પ્રજ્ઞાચક્ષુ, શ્રવણ ન કરી શકતાં, મૂકબધીર, દિવ્યાંગ તેમજ અત્યંત ગરીબી હેઠળનાં બાળકોને સરળતાથી સમજાવી શકાય એવી સરળ રીતથી તેઓ આ શિક્ષણકાર્ય કરી રહ્યા છે. તેમને પોતાના હાથે ૧૦૦૮ જેટલાં ટી. એલ. એમ ( ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ ) બનાવ્યા છે. તેઓ અનેક ચાર્ટ, ચિત્રો અને ફળફૂલ તથા લાકડાનાં રમકડાં દર્શાવીને અત્યંત સરળતાથી બાળકોને સમજાવે છે. પ્રજ્ઞાચક્ષુ બાળક સ્પર્શીને તથા બહેરું બાળક જોઈને સમજી શકે એવી અજાયબ રીતથી તેઓ ભણાવે છે. ગરીબ બાળકોને શિક્ષણમાં રસ અને રુચિ કેળવાય તે માટે હાથબનાવટ, શિક્ષણના ફ્લેશકાર્ડ અને ડ્રોઈંગનો પણ ઉપયોગ કરે છે. આ રીતે અત્યંત સરળતાથી ભાર વિનાનું ભણતર આપી તથા જ્ઞાન સાથે ગમ્મત કરતાં કરતાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને ભણાવે છે અને ભાવિ પઢીને શિક્ષણથી સજ્જ કરવાનું ઉમદા કાર્ય કરે છે. તેઓ કોઈ સુથાર નથી છતાં પણ બાળકો માટે મટીરિયલ્સ પોતાના હાથથી જ બનાવવાની ભાવનાને કારણે ક્યારેક લાકડાના રમકડાં બનાવતાં બનાવતાં હાથમાં ખીલા કે હથોડી પણ વગાડી ચૂક્યા છે. તેમના દ્વારા બનાવાયેલાં શૈક્ષણિક સાધનોની સરાહના ઘણી બધી સામાજિક સંસ્થાઓ તેમજ સરકારશ્રીના માહિતી નિયામક ખાતાએ પણ કરી છે. કેટલીક શૈક્ષણિક સાધનો બનાવતી કંપનીઓ તથા લાકડાંના રમકડાં બનાવતી કંપનીઓએ પણ નીતિંભાઈનો સંપર્ક સાધ્યો હતો, પણ તે આ સાધનો વેચવામાં માનતા નથી. તેઓ અઠવાડિયામાં બે દિવસ બાળકોને વિવિધ રમતો રમાડે છે અને અનેક રચનાત્મક કાર્યો કરાવે છે જેથી બાળકોનો સર્વ સમાવેશી વિકાસ થાય.


 ( ટિચિંગ લર્નિંગ મટીરીયલ્સ )

  નીતિનભાઈ જેટલું ધ્યાન બાળકોના શિક્ષણનું રાખે છે તેટલું જ ધ્યાન તેમના સ્વાસ્થ્યનું પણ રાખે છે. તેઓ પોતાના ખર્ચે બાળકોને અલ્પાહાર આપે છે. તેમના માટે પૌષ્ટિક નાસ્તાનું આયોજન કરે છે અને તેમની શિક્ષણ જરૂરિયાતની સામગ્રી પણ પૂરી પાડે છે. આ બધું જોતા લાગે કે તેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા હશે, પરંતુ તેઓ આવી કોઈ જ સંસ્થા સાથે જોડાયેલા નથી. તેઓ આ સેવાયજ્ઞ પોતાની મૂડી ખર્ચીને ચલાવે છે અને દાનનો એક પણ રૂપિયો લેતા નથી. છતાં પણ જો કોઈ દાન કરવાની જીદ કરે તો બાળકોને સીધા જ અપાવી દે છે. નીતિનભાઈનું ગણિત સીધું સાદું છે. તેમનું માનવું છે કે લોકો રજાના દિવસે કે નવરાશના સમયે મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા જાય કે હોટેલમાં જમવા જાય તો પણ ૨૦૦૦ રૂપિયા આરામથી વપરાય જાય. નીતિનભાઈ આવી જાહોજલાલી કરતાં નથી. તેઓ આવા ૨૦૦૦ રૂપિયા બચાવે છે જેનાથી તેમના ૪૦ બાળકોનો ચાર દિવસનો નાસ્તો આવી જાય છે. તેમના આવા અદ‍‍ભુત આયોજનના કારણે તેમને ક્યારેય પોતાના સેવાકાર્યમાં નાણાકીય તંગી પડી નથી. બાળકોને તકલીફ ન પડે અને પોતાને કોઈ પાસે હાથ લંબાવો ન પડે તે માટે તેઓ પોતાનું સમગ્ર જીવન ખૂબ સાદાઈથી જિવ્યા છે. તેમના સેવાયજ્ઞમાં તેમના પરીવારે ખૂબજ સાથ અને સહકાર આપ્યો છે.


( ટિચિંગ લર્નિંગ મટીરીયલ્સ 2 )

  કોઈ પણ મહાન કાર્ય ક્યારેય વિના અવરોધે પાર પડતું નથી. નીતિનભાઈ પણ આ મહાન કાર્ય કરવા માટે અનેક સંઘર્ષોનો સામનો કરી ચૂક્યા છે. ઘણી વાર તેઓ જ્યાં ભણાવવા જતાં હોય ત્યાંના લોકોનો પણ સ્થાનિક વિરોધ તેમણે વેઠ્યો છે. તેઓ આ કામ વગર રૂપિયે કઈ રીતે કરે છે? તેમને શું મળે છે? આ જમાનામાં તો હજારો રૂપિયા પગાર લેનાર કર્મચારી પણ પૂર્ણ નિષ્ઠાથી કામ નથી કરતા તો પછી આ ભાઈ આ કાર્ય કોઈની પણ સહાય વગર કેવી રીતે કરે છે? જરૂર તેમને કોઈ સંસ્થાનું દાન મળતું હોવું જોઈએ, આ કામ પાછળ કોઈ મોટું કૌભાંડ તો નથી ને? વગેરે વગેરે આક્ષેપો સાથે લોકોએ તેમની ઘણી જાસૂસી કરી પણ દરેકને વિલા મોઢે પાછા ફરવું પડ્યું. નીતિનભાઈના સેવાયજ્ઞમાં ઘણા લોકોએ હાડકાં નાખ્યાં પણ તેમનો સેવાયજ્ઞ અટકાવી શક્યા નથી. ઘણા લોકો ખૂબ મથ્યા પણ તેમની કોઈ ભૂલ તેમને મળી નહિ. છેવટે સમય જતાં લોકો સમજવા લાગ્યાં કે આ સાચે જ સેવાનું કામ છે અને એમાં નીતિનભાઈનો કોઈ વ્યક્તિગત લાભ કે લાલચ નથી. ત્યારબાદ લોકોનો સાથ અને સહકાર મળવા લાગ્યો.

નીતિનભાઈ ઘણી સરકારી શાળાઓમાં તથા આઇ. ટી. આઇ.માં, સામાજિક સંસ્થાઓમાં, અનાથઆશ્રમો તેમજ દિવ્યાંગ હોમમાં પણ ભણાવા જાય છે. શરૂઆતમાં ત્યાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે તેમના પણ શંકા કુશંકા થતી પણ છેવટે તેમને મંજૂરી મળી જતી. અનેક કાગળિયાં અને સર્ટિફિકેટ બતાવ્યા બાદ તેમને સાથ અને સહકાર મળતો. આણંદ જીલ્લાના સમાજ કલ્યાણ અધીકારીશ્રી તથા જીલ્લાના પ્રાથમીક શિક્ષણ ખાતાના જીલ્લા શિક્ષણ અધીકારીશ્રી દ્વારા નીતિનભાઈની ઉચ્ચસેવાની કદર કરી અભિનંદન પત્રો પઠવવામાં આવ્યાં છે. જ્ઞાનની સાથે શરીર સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકનાર નીતિનભાઈ આણંદ જિલ્લાના લગભગ તમામ ગામડાઓમાં આયુર્વેદિક દવાઓના કેમ્પ કરી ચૂક્યા છે. તેમને સંતસમાગમ પણ ખૂબજ પ્રિય છે. અવારનવાર તેઓ સંતોનું સાનિધ્ય માણે છે અને આ સંતો પણ અવારનવાર નીતિનભાઈ જ્યાં બાળકોને ભણાવતા હોય ત્યાં આવીને બાળકોને આશીર્વાદ આપતાં હોય છે. નીતિનભાઈના આ ઉમદા કાર્યોને અનેક સેવાભાવી સંસ્થાઓ સન્માનપત્રો આપી બિરદાવી છે અને દેશનાં અનેક સમાચારપત્રો તથા ઘણા સામયિકોમાં તેમના વિશે ઘણું લખાયું છે. એટલું જ નહિ, અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનનાં ઘણાં સમાચારપત્રો અને સામયિકોએ તેમના આવા મહાનકાર્યોની નોંધ લીધી છે. કેન્યા અને આફ્રિકાના દેશોમાંથી પણ તેમને અનેક ઓફરો આવી છે.

( વિવિધ ચાર્ટ દ્વારા બાળકોને સમજાવતા નીતિનભાઈ ) 

નીતિનભાઈ એ કોઈ સંસ્થામાં નથી છતાં પણ તેઓ પોતે એક સંસ્થાની ગરજ સારે છે. તેઓ માત્ર શિક્ષક નથી પણ પોતે એક હરતી ફરતી શાળા છે. તેઓ જ્યાં હોય ત્યાં તેમનું શિક્ષણ કાર્ય ચાલુ કરી દે છે. ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચે એક તંબુ તાણીને ખુલ્લા આકાશ નીચે શરૂ કરેલી તેમની આ શાળા જાણે કોઈ ગુરુકુળ હોય એમ ભાસે છે. તેમના આ ગુરુકુળમાં શરૂઆતમાં બાળકો આવતાં ખચકાટ અનુભવતા હતા. એમને થતું કે આ સાહેબને જરૂર કોઈ ફાયદો થતો હશે, નહિતર આજે મફતમાં કોણ ભણાવે? પરંતું ધીરે ધીરે બાળકોને પણ નીતિનભાઈની પરોપકારી વૃત્તિનો પરિચય થયો અને એક પછી એક બાળકો એમની આ ગુરુકુળ જેવી ખુલ્લી શાળામાં જોડાતા ગયાં. શરૂઆતમાં ચાર કે પાંચ બાળકો આવ્યાં અને આજે તેમના એક વર્ગમાં ૫૦૦થી વધુ બાળકો તેમના વિદ્યાદાનનો લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ આણંદ જીલ્લામાં હાડગુડ પાસેના પાતોડપુરા, એકતાનગર સ્લમ વિસ્તાર અને ગામડી પાસેના ગામોટપુરાના અનેક ગરીબ પરીવારોના બાળકોને વિનામુલ્યે અક્ષરજ્ઞાન આપી ચુક્યા છે. અત્યારસુધી અસંખ્ય બાળકો તેમના આ મહાનકાર્યનો લાભ ઉઠાવી ચૂક્યા છે. પોતે વન મેન આર્મી કહેવાય એવા નીતિનભાઈ સતત બે દશકાથી અવિરતપણે આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. તેમની શાળામાં એક પણ દિવસનું વેકેશન નથી પડ્યું. બાળકોને ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ વિષયનું અક્ષરજ્ઞાન આપતા નીતિનભાઈ એક પણ દિવસ રજા પાડ્યા વગર તેઓ ખડે પગે ગરીબ બાળકોના ઉદ્ધાર માટે આ કાર્ય કરી રહ્યા છે.( નીતિનભાઈનું ગુરુકુળ ) 
શ્રીમદ્ ભગવદ્ગીતાના ' ફળની ચિંતા કર્યા વગર કર્મ કર્યે જાઓ ' ના સિદ્ધાંતને આત્મસાત કરતા નીતિનભાઈ કોઈ પણ ફળની આશા રાખ્યા વગર આ મહાન કાર્ય કરી રહ્યા છે. તેઓ કોઈ પણ વિશેષ સન્માનની ખેવના રાખતા નથી. તેમનું કહેવું છે કે નિર્દોષ બાળકોના ચહેરાઓ પર હાસ્ય આવે અને તેઓ અક્ષરજ્ઞાન મેળવે તે જ તેમના માટે સૌથી મોટો એવોર્ડ છે. તેઓ ' બીજાનું સન્માન કરો, બધાને પ્રેમ કરો અને જરૂરિયાતમંદને મદદ કરો ' ના મહાન ક્રિશ્ચિનિટીના સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિદ્યાદાન એ સર્વોત્તમદાન છે. આજે જ્યારે શિક્ષણ દાનનો નહિ પણ વ્યાપારનો વિષય બની રહ્યો છે ત્યારે કોઈ વ્યક્તિ પોતે સંઘર્ષ વેઠીને વિદ્યાદાનનો સેવાયજ્ઞ શરૂ કરે એ સાચે જ નવાઈ પમાડે એવું છે. અનેક સંઘર્ષો વેઠીને પણ ગરીબ બાળકો માટે પોતાનું જીવન ખર્ચી નાખનારા નીતિનભાઈને આજે કોઈના પણ પ્રત્યે કોઈ જ ફરિયાદ નથી. તેમને બસ પોતાના કાર્યો પ્રત્યે આત્મસંતોષ છે. જ્યારે એક તરફ શિક્ષણનું મોટા પાયે વ્યાપારીકરણ થઈ રહ્યું હોય ત્યારે આ રીતે વિદ્યાદાન કરીને સમાજને વિદ્યાનું મહત્વ સમજાવી આત્મસંતોષ મેળવનારા તપસ્વી શિક્ષક જવલ્લે જ જોવા મળે છે. ખરેખર આવા શિક્ષણના ભેખધારી કર્મયોગી શિક્ષક એવા નીતિનભાઈ પ્રજાપતિ સાચા અર્થમાં વંદનીય છે.

  


    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

4 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

વારતા છે - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

કવિતાનું નામ - વારતા છે કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" એક રાજા એક રાણી આ બધાની વારતા છે, આવડે લેતા મજા તો બહુ મજાની વારતા છ...