મહાત્મા ગાંધી:- એક શાશ્વત વિચાર - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2020

મહાત્મા ગાંધી:- એક શાશ્વત વિચાર

                        મહાત્મા ગાંધી, આ નામની આગળ જે કારણથી ' મહાત્મા ' શબ્દ લાગે છે; લોકો એ કારણને ભૂલીને ફક્ત આ નામને આઝાદી પૂરતું જ યાદ રાખે છે. ગાંધીજીના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો ખબર પડે કે ગાંધીજીનો ઉદ્દેશ ફક્ત આઝાદી જ મેળવવાનો ન હતો. ગાંધીજીનો ઉદ્દેશ હતો કે એક સુવ્યવસ્થિત, સંસ્કારી અને અહિંસક સમાજની સ્થાપના કરવાનો, જ્યાં નફરત, હિંસા, અસત્ય, લૂંટ, ચોરી, વ્યસન, અંધશ્રદ્ધા, અસહિષ્ણુતા, અસ્પૃશ્યતા, ઊંચનીચનો ભેદભાવ વગેરે જેવા દૂષણોને જરાય સ્થાન ન હોય. ગાંધીજીનો ઉદ્દેશ હતો દેશમાં રામરાજ્યની સ્થાપના થાય, જ્યાં દરેક વ્યક્તિ સુખ સમૃદ્ધિથી સંપન્ન હોય અને પ્રેમ અને ભાઈચારાથી એક બીજાના વિકાસમાં સહયોગી થઈ દેશનો વિકાસ કરે.

                        એક બાળક જ્યારે તેની માતાને પૂછે કે " મા, આ ગાંધીજી કોણ છે? કેમ લોકો તેમને યાદ કરે છે? " ત્યારે તેની માતા ઇતિહાસમાં જોયા વગર અને બહુ લાંબુ વિચાર્યાં વગર ફક્ત ટૂંકમાં જ કહે છે કે " ગાંધીજીએ દેશને આઝાદી અપાવી હતી એટલે. " આ જ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે શીખે છે કે આઝાદી અપાવવમાં તો શહીદ ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ વગેરે જેવા અનેક લોકોનો ફાળો હતો, તો પછી ગાંધીજીનું આટલું મહત્ત્વ શા માટે? શંકાઓથી ઘેરાયેલો આ બાળક જ્યારે પુખ્ત થાય છે અને સોશિયલ મીડિયાના યુગમાં પ્રવેશે છે ત્યારે ગાંધીજી વિરુદ્ધ ફરતા મેસેજ પર શોખથી લાઇક કરે છે, ફેસબુક, વ્હોટ્સએપ અને બીજા સોશિયલ મીડિયા પર ગાંધીજી વિરુદ્ધ ચાલતી અફવાઓને સાચી માનીને સત્ય, અહિંસા અને પ્રેમના પૂજારી એવા ગાંધીજી વિરુદ્ધ નફરત ધરાવતો થઈ નફરતના માર્ગે આગળ વધીને વાતવાતમાં હિંસા જ શ્રેષ્ઠ છે તેમ માનવા લાગે છે અને ગાંધીજીને ગાળો ભાંડતો ભાંડતો ધીરે ધીરે ભ્રષ્ટ થઈ જાય છે...આમાં વાંક કોનો? વાંક છે એ લોકોનો જેઓ ગાંધીજીને ફક્ત આઝાદી માટે જ યાદ કરે છે અને ગાંધીજીના એ મહાનતમ કાર્યોને પોતાના બાળકો અને લોકો સમક્ષ ઉજાગર નથી કરતાં જેના કારણે ગાંધીજી મહાત્મા બન્યા.                          ગાંધીજીનો વિરોધ કરતાં લોકોને જણાવી દઉં કે ગાંધીજીને મહાત્માનું બિરુદ આઝાદી અપાવવા માટે નથી મળ્યું. ગાંધીજી પોતાના આચરણ અને પોતાની સત્યનિષ્ઠાને કારણે મહાન બન્યા હતા. અહીં રસપ્રદ વાત તો એ જ છે કે ગાંધીજીનો વિરોધ કરતાં લોકો પણ જ્યારે પોતાની સાથે અન્યાય થયાનું અનુભવે છે ત્યારે એ પણ ગાંધીચિંધ્યા માર્ગે જ તેનો વિરોધ કરવાનો પસંદ કરે છે. આ જ વાત દર્શાવે છે કે ગાંધી આજે પણ એટલા જ સર્વસ્વીકૃત છે જેટલા આઝાદી પહેલાં હતા. ગાંધીને સમજવા હોય તો તેમના વિચારોને સમજવા પડે. ગાંધીજી વિશે જાણકારીનો અભાવ જ લોકોને અત્યારે સત્ય, અહિંસા, નૈતિકતા, પ્રામાણિકતા અને પ્રેમના માર્ગથી વિમુખ કરે છે. આ બધાનું કારણ માત્ર એ જ છે કે ગાંધીજીને માત્ર આઝાદી માટે યાદ કરાય છે; તે પોતાની સાથે સાથે ગાંધીજી સાથે પણ એક અન્યાય જેવું છે.

                        દક્ષિણ આફ્રિકામાં પોતાના સત્યાગ્રહ દ્વારા ગાંધીજીએ તે સમયની વિશ્વની સર્વોચ્ય સત્તા અને શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને ઘૂંટણ ટેકવવા પર મજબૂર કરી દીધું હતું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના આંદોલનોને મળેલી સફળતાનો ડંકો પૂરા વિશ્વમાં વાગી રહ્યો હતો અને તેથી જ ગાંધીજી જ્યારે ઈ. સ. ૧૯૧૫માં ભારત આવ્યા ત્યારે સમગ્ર ભારતમાં તેમના પ્રત્યે લોકોમાં અપાર પ્રેમની લાગણી હતી. દેશભરના નેતાઓ તેમને મળવા બોલાવતા હતા. પરંતુ ગાંધીજીએ પોતાના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની આજ્ઞાથી સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને દેશની સાચી પરિસ્થિતિનો ચિતાર કાઢવાનું નક્કી કર્યું. તે સમયે બિહારના ચંપારણમાં અંગ્રેજો દ્વારા તીન કઠિયા પદ્ધતિ લાગુ હતી. એટલે કે ૩/૨૦ ભાગ પર ખેડૂતોએ ફરજિયાત ગળીની ખેતી કરવી પડતી અને અંગેજોની મનમાની સામે ઝૂકવું પડતું. રાજકુમાર શુક્લની વિનંતીથી ગાંધીજી ચંપારણ ગયા અને ત્યાંના ખેડૂતોની આપવીતી સંભાળી. આ પહેલાં જે પણ નેતાઓ આવતા હતા તેઓ અંગ્રેજ સરકારનો ખૂલીને વિરોધ કરતા ન હતા અથવા તો છુપી રીતે સભાઓ કરતા હતા. પરંતુ ગાંધીજીની એક આગવી શૈલી હતી. તેઓ જ્યાં પણ જાય અને જ્યારે પણ આંદોલન કરવાનું હોય ત્યારે ત્યાંના ગવર્નરને પત્ર લખીને જાણ કરી દેતા કે હું આ કામ કરવાનો છું. તમારાથી થાય એ કરી લેજો '. આજ સુધી અંગ્રેજ સરકારને ક્યારેય પણ કોઈએ આવો સામો પડકાર ફેંક્યો ન હતો. આ અંગ્રેજ સરકાર માટે એક આંચકા જેવું હતું. ગાંધીજીની નીડરતા એટલી હતી કે તેઓ પોતાની જાતને હંમેશા જેલમાં જવા માટે તૈયાર રાખતાં. ચંપારણમાં ગાંધીજીને ભવ્ય સફળતા મળી અને ત્યાંના ખેડૂતોનું દુઃખ દૂર થયું. ભારતમાં પહેલી વાર અંગ્રેજ સરકારે પરાજયનું મુખ જોયું હતું અને એ પણ એવા વ્યક્તિ સામે જે ભારે અહિંસક હતો. ગાંધીજી કહેતા કે તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો પણ હું તમને નહિ મારું અને તમારી જોહુકમી સામે ઝૂકીશ પણ નહિ. મહાત્મા ગાંધીએ ભારતમાં આવીને પોતાની આગવી શૈલીથી લડત ચલાવી. ચંપારણમાં કેટલાક લોકો એક બકરાની બલી ચઢાવતાં હતા એ જોઈને ગાંધીજીએ એમને કહ્યું કે, જો પ્રાણીની બલી ચઢાવવાથી માતાજી ખુશ થતાં હોય તો પ્રાણી કરતાં મનુષ્ય શ્રેષ્ઠ છે. આપણે માનવબલી ચઢાવવી જોઈએ, કોણ તૈયાર છે તમારામાંથી? જ્યારે આખાં ટોળામાં સન્નાટો છવાઈ ગયો ત્યારે ગાંધીજીએ કહ્યું કે, હું બલી માટે તૈયાર છું. તમે મારી બલી ચઢાવી દો. આમ એ લોકોને સમજાવ્યું કે, બલિપ્રથા એ અંધશ્રદ્ધા છે. લોકોને અહિંસાનો ઉપદેશ આપ્યો. મન, વચન અને કાયાથી પણ કોઈ પણ મનુષ્ય કે પ્રાણીની હિંસા ન થવી જોઈએ. આવા જ નિયમો તેમણે પોતાના આશ્રમમાં પણ રાખ્યા હતા. જ્યાં જાતે જ પોતાનું કામ કરવાનું અને કોઈ પણ જાતનો ભેદભાવ કરવાની મનાઈ હતી. એક દલિત પરિવારને ગાંધીજી પોતાના આશ્રમમાં રાખીને તથા લોકોની ગાળો સંભાળીને પણ એ કરી બતાવ્યું કે જે બોલે છે એ પાળે પણ છે. દલિત પરિવારને પોતાના આશ્રમમાં રાખવા બદલ તેમનો કસ્તુરબા સાથે પણ ઝઘડો થતો. કસ્તુરબાએ તો કહી દીધું હતું કે તમારે જો આ પરિવારને સાથે રાખવું હોય તો હું અહીં નહિ રહું. ગાંધીજીએ તેમને તાત્કાલિક પોરબંદર મોકલી આપવાની તૈયારી બતાવી દીધી. આખરે કસ્તુરબા પણ ગાંધીજીની સત્યનિષ્ઠા આગળ પીગળી ગયાં અને દલિત પરિવારને પોતાના આશ્રમમાં રાખવા માની ગયાં. દલિતોના ઉદ્ધાર માટે તેઓ આજીવન લડતા રહ્યા અને અસ્પૃશ્યતાને સમાજનો મોટો દુશ્મન માનતા હતા.


                         બાળપણમાં જે એક ડરપોક બાળક હતો તે મોટો થઈને એટલો નીડર બની ગયો હતો કે રાજાઓની સભામાં પણ રાજાઓને તેમની ભૂલ હોય તો બતાવતા ડરતો ન હતો. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગાંધીજીએ બનારસની ગંદગી જોઈને ત્યાંના આસપાસના રાજાઓની રીતસરની ઝાટકણી કાઢી હતી. હાલ તો ખેતી પર દુકાળ કે અતિવૃષ્ટિમાં સરકારનો રાહત પેકેજનો ધોધ વહેવા માંડે છે પણ તે વખતે ખેતી પર દુકાળ કે અતિવૃષ્ટિમાં પણ અંગ્રેજોનું અકલ્પનીય મહેસૂલ ભરવું પડતું. ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ અને બીજા પણ અનેક સત્યાગ્રહો મારફતે ખેડૂતોને જાગૃત કર્યા અને અંગ્રેજો સામે ન ઝૂકવાનું ઠેરવ્યું. સ્વદેશી અપનાવોની ઝુંબેશ અને વિદેશી કાપડની હોળી મારફતે ગાંધીજીએ બ્રિટનની અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ધક્કો પહોંચાડ્યો હતો. અંગ્રેજોના પાયા તેમની ચળવળોથી ડગમગી ગયા હતા. દાંડીયાત્રા દરમિયાન જ્યારે તેમને ઘોડા પર બેસીને યાત્રા કરવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારા સાથીઓ ચાલીને જતાં હોય તો હું કેવી રીતે ઘોડા પર બેસી શકું. હું પણ ચાલીને જ જઈશ. તેઓ ટ્રેનમાં પણ ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતાં જેથી તેઓ સામાન્ય વર્ગને સમજી શકે. તેઓ પહેલાં પોતાના સાથીઓનું ધ્યાન રાખતાં પછી પોતાનું.


                         ગાંધીજી હંમેશા સામાન્ય વર્ગની ચિંતા કરતા હતા.જ્યારે આશ્રમવાસીઓએ મચ્છર કરડવાની ફરિયાદ કરી ત્યારે ગાંધીજીએ ડોકટરોને પૂછ્યું કે મચ્છરના ત્રાસથી કઈ રીતે બચી શકાય? તો ડોકટરોએ તેમને મચ્છરદાનીનો ઉપાય બતાવ્યો. પરંતુ તેઓ કહેતા કે મચ્છરદાની તો સામાન્ય વર્ગને પોષાય તેમ નથી, માટે એવો ઉપાય બતાવો કે જે મારા લાખો ગરીબ ભાઈબહેન કરી શકે. તો એક ડોકટરે તેમને કહ્યું કે, મોઢા પર કેરોસીન લગાવીને આખું શરીર ચાદરથી ઓઢીને સૂઈ જઈએ તો મચ્છરથી બચી શકાય. ગાંધી તે વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરતા હતા. તેમને પહેલાં પોતાને કેરોસીન લગાવીને સૂઈ જવાની ટેવ પાડી અને મચ્છરદાનીનો ત્યાગ કર્યો, ત્યારબાદ જ તેમણે આ ઉપાય બીજાઓને બતાવ્યો. આટલી ઉચ્ચ કક્ષાના તેઓ નેતા હતા કે પોતે જે કામ કરી શકે તે જ કામ પોતાના સાથીઓને બતાવતા. ગાંધીજી કહેતાં કે,” જે બદલાવ તમે સમાજમાં જોવા માંગો છે તે બદલાવ પહેલાં પોતાનામાં લાવો. મદ્રાસ પ્રાંતમાં વિદેશી કાપડની હોળી વખતે જ્યારે તેમણે એક મહિલાની દુર્દશા સંભાળી ત્યારે તેમણે તરત જ પ્રતિજ્ઞા લીધી કે, " જ્યાં સુધી મારા દેશના દરેક ભાઈબહેનનાં શરીર પર કપડું નહિ આવે ત્યાં સુધી હું પણ નિર્વસ્ત્ર જ રહીશ. " સાથે રહેતાં બહેનોની મર્યાદા રાખવા માટે તેઓ ફક્ત પોતાની સાથળ ઢંકાય તેટલી જ પોતળી પહેરતા. કાળજાળ ગરમી કે પછી કાતિલ ઠંડી હોય તો પણ તેમણે પોતાની પ્રતિજ્ઞા આજીવન પાળી બતાવી અને બીજી તરફ લોકોના હાથમાં રોજગારી આવે, લોકો આત્મનિર્ભર બને અને લોકોના તન પર કપડાં આવે એ માટે ચરખાનો પણ આવિષ્કાર કર્યો અને એટલું જ નહિ, પોતે જેટલું સૂતર કાંતતા એટલું બધું ગરીબોમાં વહેચી દેતા. આજ સુધી ભારત દેશમાં આટલો મોટો નેતા કોઈ થયો જ નથી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી હંમેશા શૂટ-બૂટમાં રહેવા ટેવાયેલાં હતા. તેમની પાસે અપાર સુખ-સમૃદ્ધિ હતી. અરુણ અને સુનંદા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે,” દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની વાર્ષિક આવક ૭૫ હજાર ડોલર હતી. જે આજ સુધીની મોંઘવારી પ્રમાણે જોઈએ તે ૩૮,૧૭,૮૨૭ ડોલર જેટલી અધધધ આવક થઈ જાય! આટલી બધી સમૃદ્ધિ છોડીને એક માણસ આજીવન નિર્વસ્ત્ર રહીને, ઝૂંપડીમાં રહીને, પોતાના જીવન કાળમાં ૭૯૦૦૦ કિલોમીટર જેટલું પગપાળા ચાલીને સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ વહેંચે છે અને દેશની જનતાને જાગૃત કરી, તેમને નીડર અને આત્મનિર્ભર બનાવી તેમનામાં આઝાદીની આગ પ્રજ્વલિત કરે છે. કદાચ એટલે જ સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહેતા કે, " આવનારી પેઢીઓને એ માન્યામાં નહિ આવે કે હાડ, ચામ અને માંસ ધરાવતો આ પ્રકારનો એક વિરલ પુરુષ આ ધરતી પર ક્યારેય જન્મ્યો હશે. "                         શહીદ ભગતસિંહ કહેતા કે , " હું નથી માનતો કે અહિંસાથી આઝાદી આવી શકે, પરંતુ જે રીતે આખા દેશનું ભ્રમણ કરીને ગાંધીજીએ દેશની જનતામાં આઝાદીની આગ પ્રજ્વલિત કરી છે એવું અદ્ભુત કાર્ય બીજું કોઈ કરી શકે તેમ નથી." ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ તેમજ બીજા ક્રાંતિકારીઓ પણ ગાંધીજીના દેશ માટેના ત્યાગ અને બલિદાનને સારી રીતે સમજતા હતા, તેથી જ તેઓ તેમનો ખૂબ આદર કરતા હતા. મહાત્મા ગાંધીને ' રાષ્ટ્રપિતા ' નું માન પણ સુભાષચંદ્ર બોઝે જ આપ્યું હતું. સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ અને બીજા પણ અનેક મહાપુરુષોને દેશસેવાના જેવા કામમાં ખેંચી લાવવા એ પણ ગાંધીજીની દેશ પ્રત્યે અમૂલ્ય ભેટ છે. વિંસ્ટન ચર્ચિલ જ્યારે બ્રિટનના વડાપ્રધાન હતા ત્યારે ભારત આવનાર પોતાના દરેક અધિકારીને સમજાવતાં કે,” તમારે ક્યારેય ગાંધી સાથે વાદ-વિવાદમાં ઉતરવાનું નહિ. આ માણસ પોતાના આદર્શો પ્રત્યે એટલો પ્રમાણિક છે, કે તે તમારી પાસે પોતાનું ધાર્યું કામ કરાવવાની ક્ષમતા ધરાવે છે. આ માણસ ભારે અહિંસક હોવા છતાં પણ એટલો શક્તિશાળી છે, કે મને હિટલરનો ડર નથી લાગતો પણ આ ગાંધીનો ડર લાગે છે.

                        પોતાના અંતિમ દિવસોમાં ગાંધીજી કહેતા, કે મારી પર અનેક વાર હુમલાઓ થયા છે. જો કોઈ મને પોતાની ગોળીથી ઠાર કરશે તો હું તેની ગોળીથી વીંધાઈને પડું, તોય રામનામ રટતો રટતો પ્રાણ ત્યાગ કરું. છેલ્લી ક્ષણે હું મારા ખૂની સામે ક્રોધ કે ઠપકાનો એક શબ્દ પણ ઉચ્ચારું તો મને પાખંડી ગણવામાં આવે. જો કોઈ મને બદમાશ સમજીને મારશે તો એ મારી અંદર રહેલા બદમાશને મારશે એમ સમજવું. સાચા ગાંધીને નહિ. હું મારા ખૂનીની ગોળી દુઃખના એક પણ પોકાર વિના ઝીલી લઉં અને રામનું નામ રટણ કરતો કરતો પ્રાણ ત્યાગ કરું તો જ મારો સત્ય અને અહિંસાનો દાવો સાચો ઠરશે...

 

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

13 ટિપ્પણીઓ:

  1. આપના વિચારો ઉમદા છે પાર્થભાઈ ! અભિનંદન ! કોઈ વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી. આપણી દષ્ટિ જો ગુણ ગાહ્ય હશે, તો કૂતરું પણ જીવનના પાઠ ભણાવી જશે ! ભગવાન દત્તે ૨૪ ગુરુ કરેલા. દોષ ગાહય દષ્ટિ હશે તો ભગવાનમાં પણ ભૂલ દેખાશે ! ગાંધીબાપુના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. વિશેષતાઓ ની સાથે સાથે તેમના જીવનમાં અમુક મર્યાદાઓ (નબળાઈઓ) પણ દેખાય છે, પરંતુ સુપડાની જેમ કાંકરા ને ફેંકી દેવા અને સારી વાતો ગ્રહણ કરવી. બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ તો શ્રેષ્ઠ ગુણવત્તા વાળી વસ્તુ લેવાનો આગ્રહ રાખીએ છીએ, તો આપણું આખું જીવન જે વિચારો પર આધારિત છે, તે વિચારોની ગુણવત્તાનો આગ્રહ આપણે કેમ રાખતા નથી તે વિચારણીય પ્રશ્ન છે. ઘણા મહાપુરુષોના ઘણા જુદા જુદા વિચારો છે, પરંતુ અભ્યાસુ લોકોના મત મુજબ ભગવાન શ્રીકૃષ્ણના વિચારો સૌથી શ્રેષ્ઠ છે. ભારત ને આજે ગાંધીબાપુ કરતાં, કૃષ્ણના વિચારોની આત્યંતિક જરૂર છે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ....દરેકને કૃષ્ણના વિચારોની જરૂર છે. ભારત જો કૃષ્ણના રસ્તે ચાલશે તો જ તે સાચા અર્થમાં મહાન થશે. જય હિન્દ !

    જવાબ આપોકાઢી નાખો
  2. ખુબ જ સરસ રીતે ગાંધીજીના વિચારો રજૂ કર્યા છે...

    જવાબ આપોકાઢી નાખો
  3. ખુબ જ સરસ રીતે ગાંધીજીના વિચારો રજૂ કર્યા છે...

    જવાબ આપોકાઢી નાખો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: મન લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ" મજબુત હૃદયની પાછળ નાજુક દિલ છૂપાયેલું છે. નમેલી આંખોની  પાછળ અશ્રુઓની ધારા છૂપા...