સાચી સ્વતંત્રતા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

Analysis of thoughts This blog tries to link topics related to information, literature, Education,current affairs history,Life Character,Story,Love story,Lifestyle

વિચારોનું વિશ્લેષણ

Ads Here

બુધવાર, 19 ઑગસ્ટ, 2020

સાચી સ્વતંત્રતા

 

                          આઝાદી મળ્યાને 74 વર્ષ થઈ ગયા અને આ 74 વર્ષમાં આપણે ઘણું બધું મેળવ્યું છે તથા ગુમાવ્યું પણ છે. 200 વર્ષના અંગ્રેજો દ્વારા થયેલા અકલ્પનીય આર્થિક, સામાજિક અને માનસિક શોષણ બાદ આઝાદ થતી વખતે સાવ કંગાળ થઈ ગયેલો ભારત દેશ આઝાદીના 74 વર્ષ પછી આજે વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા બનીને ઉભરી રહ્યો છે. આજે ભારત એક ઉગતો સૂર્ય હોય એમ નીલગગનમાં પોતાનું તેજ પ્રસરાવી રહ્યો છે. વર્ષો પહેલાં જે દેશનું નામ સાંભળતાં જ વિદેશીઓના મનમાં બળદગાડાં અને મદારીના ખેલના વિચારો આવતા હતા એ ભારત આજે અંતરિક્ષમાં પોતાનો ડંકો વગાડી રહ્યો છે.ભારત પોતાના પ્રથમ પ્રયાસમાં જ મંગળ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ છે ; અને એટલું જ નહીં;  ભારતની અગ્રણી અવકાશ સંસ્થા ઈસરો આજે ભારતીયોને અવકાશમાં મોકલવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આજે અમેરિકન અવકાશી સંસ્થા નાસા ભારતીય વૈજ્ઞાનિકોથી ઉભરાઈ રહી છે. જે ભારતની વિજ્ઞાનના ક્ષેત્રમાં અકલ્પનીય પ્રગતિ દર્શાવે છે.આજે ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ ખુબ મજબૂત થઈ ગયો છે..આજે વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી સેના ભારત પાસે છે. જે ભારતની સંરક્ષણ ક્ષેત્રે પ્રગતિ દર્શાવે છે.આજે વિશ્વની ટોચની કંપનીઓ જેવી કે, ગૂગલ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સુંદર પિચાઇ અને સત્ય નડેલા ભારતીય છે. આજે ભારતને 200 વર્ષ સુધી ગુલામ બનાવીને શોષણ કરનાર દેશ બ્રિટનનાં ગૃહપ્રધાન પ્રીતિ પટેલ અને નાણાં મંત્રી ઋષિ સુનક પણ ભારતીય છે. આજે ભારતીયો વિશ્વના ખૂણે ખૂણે પોતાની કોઠાસૂઝને કારણે મહત્વના પદો પર બિરાજમાન છે.આઝાદીના 74 વર્ષમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં અવિરત વિકાસ સાધ્યો છે. જેના પરિણામે આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે.

            કહેવાય છે કે કોઈ પણ દેશ તેના નાગરિકોથી બને છે. નાગરિકો જેવા હશે એવી જ એ દેશની વિશ્વ સમક્ષ તસવીર હશે.અહીં જોવાનું એ છે કે આપણે આપણી કેટલીક ઉપલબ્ધિઓના બળ પર આપણી નબળાઈઓને ઢાંકી તો નથી રહ્યા ને? વિકાસની સાથે આપણે ઘણું બધું ભૂલી રહ્યા છીએ. આપણે હજુ પણ ઘણા ક્ષેત્રોમાં કામ કરવાની તથા પોતાની કેટલીક જૂની આદતોને બદલવાની જરૂર છે. આજે પણ ભારતની ચોથા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે અને કેટલાય લોકોને એક ટંકનું જમવાનું પણ માંડ માંડ મળે છે.આજે પણ કેટલાય લોકો ભૂખમરાથી પીડિત છે.આજે પણ ભણવાની ઉંમરે ઘણા બાળકો બાળમજૂરી કરે છે. આજે પણ એક છોકરી રાત્રે ઘરની બહાર નીકળતા ભયનો અનુભવ કરે છે. એવું નથી કે આ બધું કાયદાના અભાવે થઈ રહ્યું છે. આપણા દેશના મહાન ઘડવૈયાઓએ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને કાયદા તો ઘડ્યા છે.પરંતુ કોઈ પણ કાયદો ત્યારે જ સફળ થઈ શકે જ્યારે એ દેશની જનતા એ કાયદાને અપનાવે છે.

                        Transparency International
ના એક રિપોર્ટ Corruption Perception Index 2020 માં દર્શાવ્યા પ્રમાણે 180 દેશમાંથી ભારતનો રેન્ક 80 આવ્યો છે. જે વિશ્વમાં ભારતની ભ્રષ્ટાચારની સ્થિતિ દર્શાવે છે, જે એક ચિંતાજનક છે. ભ્રષ્ટાચારના કારણે એક સામાન્ય કામ માટે ગરીબ વ્યક્તિને સરકારી ઓફીસોમાં ધક્કા ખાવા પડે છે. આજે પણ ભ્રષ્ટાચારના ડામરથી બાંધેલા રસ્તાઓ સામાન્ય વરસાદ વરસતાં જ બિસ્માર હાલતમાં આવી જાય છે. ખરાબ રસ્તામાં કારણે રોડ અકસ્માતમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ જાય છે.આજે પણ નિયમોની વિરુદ્ધ બનેલી બિલ્ડિંગને NOC સર્ટિફિકેટ મળી જાય છે અને જ્યારે આવી હોસ્પિટલો, હોટેલો અને ટ્યુશન ક્લાસીસમાં આગ લાગે છે ત્યારે કેટલીય નિર્દોષ જિંદગીઓ જીવતી હોમાઈ જાય છે.આજે પણ ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોનો દુરુપયોગ કરવામાં આવે છે. વાણી સ્વાતંત્ર્યના અધિકારનો દૂરુપયોગ સોશીયલ મિડીયામાં કોઈને ટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. આ બધું જોતા લાગે છે કે, શું આજ સાચી સ્વતંત્રતા છે?..શું આપણે આઝાદીના નામે છકી તો નથી ગયા ને?
              મૂળભૂત અધિકારો તો બધાને ખબર છે પણ કોઈને પોતાની મૂળભૂત ફરજોનું ભાન નથી.ભારતીય બંધારણમાં કેટલીક મૂળભૂત ફરજો આપી છે જે અહી દર્શાવી છે..જે એક વાર વાંચવા જેવી અને સમજવા જેવી છે...

બંધારણના અનુચ્છેદ 51 - ( A ) મુજબ ભારતના દરેક નાગરિક માટે મૂળભૂત ફરજો ની જોગવાઈ છે જે નીચે મુજબ છે...

૧). બંધારણનું પાલન કરવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો , રાષ્ટ્રગીતનો આદર            કરવાની;

૨). સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;

3).
ભારતના સાર્વભૌમત્વ, એકતા, અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;

૪). દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હકાત થતાં રાષ્ટ્રીય સેવા કરવાની;

૫). ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;

૬). આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;

૭). જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખવાની;

૮). વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની;

૯). જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;

૧૦). વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતુ રહે;

૧૧). માતા - પિતાએ અથવા વાલીએ ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.

                   ધ્યાનથી વિચારજો, અધિકારો તો ખુબ ભોગવ્યા, પણ આમાંથી કઈ ફરજ સાચા દિલથી નિભાવી છે. સોશીયલ મીડીયા પર નફરત ફેલાવતાં મેસેજ ફેલાવાથી, અફવાઓ ફેલાવવાથી સમાજમાં એક બીજા પ્રત્યે નફરતનું વાતાવરણ પેદા થાય છે.સમાજના ભાગલા પડે છે, અને આગળ જતાં તોફાનોમાં પરીણમે છે અને કેટલીય નિર્દોષ જિંદગીઓના જીવ જોખમમાં મૂકાય છે.દેશમાં કરોડોનું નુકસાન થાય છે.નાની નાની વાતમાં લોકો હિંસક બની જાય છે અને કોઇની હત્યા કરતાં પણ વિચારતા નથી. આ આપણો દેશ છે, અને આ દેશમાં પર્યાવરણનું રક્ષણ કરવાની જવાબદારી પણ આપણી જ છે. દુઃખ એ વાતનું છે કે આ દેશના પર્યાવરણને પ્રદૂષિત કરનાર આપણા જ દેશના લોકો હોય છે, એ કોઈ વિદેશથી નથી આવતું. આજે વિશ્વમાં કોરોના કરતાં પણ પ્રદૂષિત હવા, પાણી, જમીન ( પર્યાવરણ ) ના કારણે વધુ લોકો મૃત્યુ પામે છે જેમાં ટીબી, અસ્થમા, ન્યૂમોનિયા, હાર્ટના રોગો તેમજ શરીરના વિવિધ ભાગોના કેન્સર વગેરે જેવી ગંભીર બિમારીઓ સામેલ છે.

                આઝાદી એક ખુલ્લું વાતારવરણ પૂરું પાડે છે જેમાં વ્યક્તિ મન ફાવે તેમ જીવી શકે અને પોતાની પ્રતિભાને ખીલવી પોતાનો તથા સમાજનો વિકાસ કરી શકે. જ્યારે આઝાદીથી છકી ગયેલો વ્યક્તિ મનફાવે તેમ વર્તીને પોતાને તથા સમાજને અધોગતિમાં નાખે છે. આપણે આ તફાવત સમજવાની જરૂર છે. આપણે દેશભક્તિનું લેબલ ફક્ત દેશના વીર જવાનોને સોંપીને નિરાંતે જીવી રહ્યા છીએ.શું દેશ પ્રત્યે આપણી કોઇ જવાબદારી નથી? દેશભક્તિ કરવી હોય તો જરૂરી નથી કે સરહદ પર જવું જ પડે. દેશમાં રહીને પણ એક નાગરિક તરીકેની મૂળભૂત ફરજોને યથાયોગ્ય બજાવીને એક આદર્શ નાગરિક તરીકેનું ઉદાહરણ પૂરું પાડવું, એ પણ એક દેશભક્તિ જ છે. અહી વિચારવાનું છે કે આપણે સ્વતંત્રતાનો સાચો અર્થ તો ભૂલી નથી ગયા ને?

              મહાત્મા ગાંધી કહેતા કે , " દેશને ફક્ત આઝાદ કરાવવું એ મારો ઉદ્દેશ નથી. મારો ઉદ્દેશ એક સુવ્યવસ્થિત, સહિષ્ણુ અન અહિંસક સમાજની સ્થાપના કરવાનો છે જેમાં દરેક વ્યક્તિ નિર્ભય બનીને, આત્મનિર્ભર બનીને પોતાની જીવન વ્યતીત કરી શકે.જ્યાં લોકો એકબીજાને સમભાવથી જોતા હોય, એકબીજાનો સહયોગ કરતા કરતા સુખી જીવન જીવતા હોય, જ્યાં સમાજના છેલ્લા અને છેવાડાના વ્યક્તિ પાસે પણ જીવન જરૂરિયાતની બધી ચીજવસ્તુઓ હશે અને તે સુખીથી પોતાનું જીવન જીવશે ત્યારે હું માનીશ કે ખરેખરમાં રામરાજ્ય સ્થપાયું.ત્યારે હું માનીશ કે સાચી સ્વતંત્રતા આવી...

 છેલ્લે હું મારી એક કવિતા દેશભક્તિ થી આ લેખને વિરામ આપીશ.

કંઇક વહી હતી રક્તની ધારા,
ત્યારે થઈ હતી સ્વતંત્ર આ ધરા...

હતું જોમ એ વીરોનાં રક્તમાં,
જે લડ્યા હતા દેશ કાજે દેશભક્તિમાં...

શણગારી હતી માતૃભૂમિ જેમણે લોહીથી,
પળવારમાં ભૂલ્યા લોકો ભ્રષ્ટાચારના મોહથી...

લડ્યા હતા સૌ સાથે મળી રાખી હૃદયે દેશભક્તિ,
હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ, ભૂલીને ધર્મભેદ ભક્તિ...

મળી આઝાદી અને પડ્યા વાડા ધર્મ અને જાતિના,
ફરી વહેચાઈ ' માં ' ભોમ આજ પોતાના જ સંતાનોમાં...

હું હિન્દુ, હું મુસ્લિમ કહેવા વાળા ઘણા મળ્યાં રસ્તામાં,
હું હિન્દુસ્તાની, આટલું કહેવા વાળા નથી મળતા સસ્તામાં... "

    

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )2 ટિપ્પણીઓ:

  1. ખૂબ સરસ...
    દેશ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો પરંતુ દેશવાસીઓની માનસિક સ્વતંત્ર હજુ નથી દેખાતી😭

    જવાબ આપોકાઢી નાખો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

ચૂંટણી:- લોકશાહીનું મહાપર્વ

           ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. અહીં ચૂંટણી એક તહેવારની જેમ ઉજવાય છે. ચૂંટણીનો શંખનાદ ફૂંકાય કે તરત રસ્તાઓ પર નેતાઓ...